ઘરમાં વધુ દરવાજા નકારાત્મકતા ઉભી કરે છે?

માણસને ક્યારેક મજાક કરવી ગમે. પરંતુ તેનાથી અન્યને નુકસાન થતું હોય તો તે મજાક ગુન્હો બની શકે છે. સારા નરસાની સુઝ સાથે જો કોઈ કાર્ય થાય તો તેના યોગ્ય લાભાલાભ મળે છે. સંતુલિત વિચારધારા માટેની ઉર્જા આપે છે વાસ્તુ નિયમો.

આજે આપણે જે મકાનનો અભ્યાસ કરીએ છીએ તેના પ્લોટનો આકાર સક્કરપારા જેવો છે. જેના કારણે ચારેય ખૂણા કાટખૂણા રહેતા નથી. જે નકારાત્મક ગણાય. ખાસ કરીને માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે યોગ્ય ન ગણાય. પ્લોટની એન્ટ્રી ઉત્તરી વાયવ્યની છે, જેના કારણે બાળકોની ચિંતા રહે. પૂર્વ કરતા પશ્ચિમમાં માર્જિન વધારે છે, તેથી માનસન્માનને લગતી સમસ્યા આવી શકે. દક્ષિણમાં બાંધકામ છે અને તેમાં પેઈંગ ગેસ્ટ રહે છે. તેથી ઘર પર તેમનો પ્રભાવ વધારે રહે. આમ પણ ઘરની વ્યવસ્થા જોતા પેઈંગ ગેસ્ટ માટે વધારે વ્યવસ્થા હોય તેવું દેખાઈ આવે છે. ઘરનો આકાર રેગ્યુલર નથી. ઘરને ઘણા બધા દરવાજા છે જે નકારાત્મકતા ઉભી કરવા માટે સક્ષમ છે.ઘરની મુખ્ય એન્ટ્રી પશ્ચિમમાંથી છે, જે સારી ગણાય. નૈઋત્યમાં લિવિંગ રૂમ હોય તો ઘરમાં ઉગ્રતા આવે. અહીં બેઠક વ્યવસ્થા સારી હોવાથી થોડી રાહત રહે. દક્ષિણમાં બહાર પ્રોજેક્ટેડ ટોયલેટ યોગ્ય ન ગણાય. તેનાથી જનરેશન ગેપ તો ઉદભવે જ પણ માનસિક તણાવ પણ ખુબજ થાય. એવા રોગ થાય જેના કારણે બીમારી લાંબી ચાલે. અગ્નિમાં બેડરૂમ હોય તો તે યુગલ માટે યોગ્ય નથી. તેઓ નાની નાની વાતમાં શોખથી લડતા જોવા મળે છે. અને આ અવિરત ચાલ્યા કરે છે. જેના કારણે ઘરના અન્ય સભ્યો થાકી જાય છે. નૈઋત્યમાં સુવાની વ્યવસ્થા કરી શકાય. અગ્નિમાં ટોયલેટ નારીના સ્વાસ્થ્ય માટે યોગ્ય ન ગણાય. અગ્નિમાં ખાળકૂવો પણ યોગ્ય નથી.

પૂર્વ અગ્નિમાં બીજુ ટોયલેટ પણ નકારાત્મક ઉર્જા આપે. આ બધાના કારણે નારીને લગતા રોગો, ખાસ કરીને ગર્ભાશયને લગતી તકલીફ આવી શકે. કિડનીથી મૂત્રાશય સુધીની સિસ્ટમને પણ અસર થાય અથવા દાંત, કાન કે આંખ ને લગતી સમસ્યા આવે. પૂર્વમાં સ્ટોર મસ્તિસ્ક ને લગતી બીમારી ઉપરાંત માનસન્માનને લગતી સમસ્યા આપે. ઈશાનમાં દાદરો હૃદય માટે યોગ્ય ન ગણાય. હૃદયને તકલીફ પડે તેવી ઘટના બને યા તો અહીં બ્લડપ્રેસરની બીમારી હોય જ.  ઈશાનમાં રસોઈઘર યોગ્ય ન ગણાય. નારીને અસંતોષ ઉદભવે અને ગોઠણથી નીચે પગનો દુખાવો રહે. ઉત્તરમાં પૂજા ભૌતિકતાવાદી વિચારો આપે. વાયવ્યના રૂમનો વપરાશ શેના માટે થાય છે તે જણાવ્યું નથી. બ્રહ્મમાં ઘણા બધા દરવાજા આત્મવિશ્વાસ ઓછો કરે. પેઈંગ ગેસ્ટને રહેવાની વ્યવસ્થામાં ઉત્તરી વાયવ્યના પદમાં ટોયલેટ છે, જે પેટની બીમારી આપે. આમ તન, મન, ધન, સાંસારિક અને સામાજિક બધી જ સમસ્યાઓ અહીં આવી શકે. પરંતુ તેનાથી ગભરાવાની જરૂર નથી. કારણકે આપણા વિજ્ઞાનમાં તેનું નિરાકરણ છે.સર્વપ્રથમ તો સૂચન પછીના નકશા પ્રમાણેની રચના કરી અને વધારાના દરવાજા બંધ કરી દેવા જોઈએ. ઈશાનમાં અગિયાર તુલસી, વાયવ્યમાં બે બીલી, નૈઋત્યમાં બે નારિયેળી અગ્નિમાં બે ફૂલ દાડમ અને ઉત્તરમાં હજારી વાવી દેવા, ઉપરાંત ઘરમાં ગુગલ, ચંદન, મટ્ટીપલનો ધૂપ કરવો. મહામૃત્યુંજયના મંત્ર કરવા. શિવલિંગ પર પાણી, દૂધ, પંચામૃત, ચોખા, ગુલાબજળ, સરસવ, શેરડીનો તાજો રસ, પાણીથી અભિષેક કરી અને બીલીપત્ર ચડાવી દેવા. સૂર્યને જળ ચડાવવું. ગુરુવારે મુખ્ય દ્વાર પર આસોપાલવનું તોરણ બાંધી અને ઉંબરો પૂજી લેવો. ગણપતિ ભગવાનને ગોળ ધરાવી પ્રસાદ લેવો.

નકારાત્મકતા અંધકાર જેવી છે. હકારાત્મકતા વધતા જ તેનું અસ્તિત્વ ઓછું થતું જાય છે. હકારાત્મકતાના નિયમો આપે છે વાસ્તુ શાસ્ત્ર.