વિક્રમ સંવત ૨૦૭૫નું વાર્ષિક રાશિ ભવિષ્યઃ

ગોચરના ગ્રહો વિક્રમ સંવત 2075ના વર્ષમાં દરેક રાશિ માટે કંઇને કંઇ લઈને આવ્યાં છે. ત્યારે અમારા માનવંતા દર્શકો માટે chitralekha.com દ્વારા યંગ એન્ડ ટેલેન્ટેડ જ્યોતિષજ્ઞાતા નીરવ રંજન, કે જેમની આ કોલમ આપ વર્ષોથી વાંચતા આવ્યાં છો. તેમના દ્વારા તમામ રાશિના જાતકો માટે વિડીયો પ્રેઝન્ટેશન થકી વાર્ષિક ભવિષ્ય પ્રસ્તૂત કરવામાં આવ્યું છે.

ગોચરના ગ્રહો જન્મ રાશિથી જોવાનો પ્રચલિત મત છે. દરેક જાતકને નવું વર્ષ કેવું રહેશે? ગ્રહોનું પરિભ્રમણ તેમના જીવનમાં શું નવીનતા લાવશે? તે જાણવાની ઉત્સુકતા હોય છે. વર્ષ દરમિયાન મોટા ગ્રહો શનિ, ગુરુ અને રાહુ-કેતુનું ભ્રમણ (વક્રી-માર્ગી) અને રાશિ બદલાવ સમગ્ર સૃષ્ટિ પર બદલાવ લાવે છે. દરેક રાશિની સાપેક્ષે આ ચાર મોટા ગ્રહો ક્યાં બિરાજેલા છે, તેની પર ફળ કથનનું શુભાશુભ મદાર રાખે છે. આપણે જાણીએ છીએ કે, સૂર્ય, ચંદ્ર, બુધ અને શુક્ર પ્રમાણમાં વધુ ગતિશીલ છે, મંગળનું રાહુ કે કેતુ સાથે તે વર્ષ દરમિયાન યુત થવું, જે-તે રાશિની તકલીફ સૂચવે છે. નવા વર્ષે રાહુ મિથુન રાશિમાં ૦૭-૦૩-૨૦૧૯એ પ્રવેશ કરશે. ગુરુ મહારાજ ધન રાશિમાં ૨૯-૦૩-૨૦૧૯એ પ્રવેશ કરીને ૧૧-૦૪-૨૦૧૯એ વક્રી થશે. ૦૫-૧૧-૨૦૧૯એ ફરી ગુરુ મહારાજ ધન રાશિમાં પ્રવેશ કરશે. શનિદેવ વર્ષ દરમિયાન ધન રાશિમાં રહે છે. ધનરાશિમાં અત્યારે શનિદેવ છે, ‘ધન’ રાશિમાં ૦૬.૦૧.૨૦૧૯ દરમિયાન સૂર્યગ્રહણ થશે, ૧૬.૦૭.૨૦૧૯ માં ‘ધન અને મકર’ રાશિમાં ચંદ્ર ગ્રહણ થશે. ૦૨.૦૭.૨૦૧૯એ ‘મિથુન’ રાશિમાં સૂર્યગ્રહણ થશે. ૨૧.૦૧.૨૦૧૯ દરમિયાન ‘કર્ક’ રાશિમાં ચંદ્ર ગ્રહણ થશે. જે-તે રાશિઓમાં થતા ગ્રહણ તે રાશિના બળને નિશ્ચિત રીતે હાનિ કરે છે. આ રાશિઓના જાતકોને આ મહિનાઓ દરમિયાન માનસિક હતાશા અને ચિંતા આવી શકે. જે-તે રાશિઓમાં થતા ગ્રહણ તે રાશિના જાતકોના સ્વાસ્થ્ય માટે શુભ નથી હોતા. રાશિઓના ફળાદેશમાં જ્યાં શુભ કે તકલીફદાયી સમયની વાત છે, તે મહિનાઓ દરમિયાન મંગળ, રાહુનારાશિ પરિવર્તન થકી તે અનુભવાય છે.

મેષ રાશિના જાતકોને વર્ષ એકંદરે સારું રહેશે. વ્યવસાય અને નોકરીની બાબતોમાં તમે બદલાવનો અનુભવ કરશો.

ઘર અને સામાજિક બાબતોમાં ઉતાર-ચઢાવ રહેશે, પરંતુ સરવાળે તમે દરેક બાબતોમાં પોતાની આવડત અને બુદ્ધિથી સફળ બનશો. વર્ષ દરમિયાન તમે શારીરિક બાબતોમાં વધુ સજાગ બનશો. મોટી મુસાફરી કે ધાર્મિક બાબતોમાં વધુ પ્રયત્ન કરવા પડે તેવું બની શકે. વર્ષ દરમિયાન નવા વર્ષની શરૂઆતથી ડીસેમ્બર ૨૦૧૮ સુધી આર્થિક બાબતોમાં પ્રગતિ રહે. માર્ચ ૨૦૧૯ પછી રાહુનું ત્રીજે ભાવે ભ્રમણ તમારી ઘર, મકાન અને વાહનની ચિંતાઓમાં ઘટાડો કરી દેશે.એપ્રિલ ૧૯ દરમિયાન શનિનું સ્થાન અને ગુરુનું નવમ ભાવે આવવું તમને વ્યવસાય બાબતે એપ્રિલ ૨૦૧૯ની શરૂઆતના દિવસો, ટૂંકા સમય માટે મોટી તકો આપી શકે તેવું લાગે છે. જે જાતકો લગ્ન બાબતે ઉત્સુક છે, તેમને ફેબ્રુઆરી અને માર્ચ ૨૦૧૯ નસીબવંત સાબિત થઇ શકે, મંગળનું પ્રથમ ભાવે ભ્રમણ આ સમય દરમિયાન તમારા આત્મવિશ્વાસમાં વધારો કરશે, અને તમને સફળતા આપી શકે.વર્ષ દરમિયાન તમે મધ્યમથી સારી પ્રગતિ કરી શકશો, વિદ્યાર્થીઓ માટે વર્ષ વધુ મહેનત સૂચવે છે. વડીલો અને મહિલાઓ માટે વર્ષ દરમિયાન માનસિક અને શારીરિક રીતે વધુ સજાગ રહેવું જરૂરી રહેશે.

વર્ષ દરમિયાન તમે અન્ય લોકો સાથે વધુ તાલમેલ કરી શકશો, આ વર્ષ દરમિયાન તમારું જીવન અન્ય લોકોથી વધુ પ્રભાવિત રહેશે,

તે તમારા જીવનસાથી કે વ્યવસાયિક ભાગીદાર પણ હોઈ શકે. વૃષભ રાશિના જાતકોને વર્ષ દરમિયાન આર્થિક પ્રગતિ નોંધપાત્ર રહેશે, તમે હવે પોતાને બદલાતી પરિસ્થિતિઓ અનુસાર ઢાળીને આગળ વધશો. શનિનું આઠમાં ભાવે ગોચરમાં પસાર થવું, બેશક એક પડકાર દાયક સમય હોય છે પરંતુ આ સમય જ તમારી અંદર નવી ઉર્જા ભરી દેશે. વૃષભ રાશિના જાતકોએ આ વર્ષ દરમિયાન મન સ્થિર કરીને કોઈ પણ ડર રાખ્યા વિના પોતાના લક્ષ્ય તરફ આગળ વધવાનું છે. નવા સર્જન માટે જૂનાનું વિસર્જન થવું જરૂરી હોય છે. સંબંધો માટે આ સમય ઉતાર-ચઢાવ આપી શકે. વૃષભ માટે ગુરુ સપ્તમ ભાવે મધ્યમ ફળદાયી કહેવાશે. નવેમ્બર-ડીસેમ્બર ૧૮ અને જુન ૨૦૧૯ તમારા વર્ષને યાદગાર બનાવી શકે છે. આર્થિક પ્રગતિ આ સમય દરમિયાન જોવા મળી શકે.

માર્ચ ૧૯ પછીનો સમય તમારી માટે કુટુંબ અને આર્થિક બાબતોમાં વધુ ધ્યાન ખેંચશે. રાહુનું બીજા ભાવે જવું, કુટુંબઅને આર્થિક બાબતોના પ્રશ્નો આપી શકે છે.જાન્યુઆરી અને જુન ૧૯ લગ્ન વિષયક બાબતોમાં તમને સફળતા આપી શકે છે. સંતાન બાબતે આ વર્ષ ફળદાયી રહે.

વાણીજ્યની બાબતોમાં પ્રવિણ એવા મિથુન રાશિના જાતકોને વર્ષ દરમિયાન નોકરી અને કાર્યવિષયક બાબતોમાં સતત પ્રગતિ થતી રહેશે.

આ વર્ષ દરમિયાન તમારો વ્યવસાય બિલકુલ નવીન રીતે પ્રગતિ કરી શકે. ભાગીદારી કે કોઈની મદદ વગર તમે સ્વયં પ્રગતિ માટે મક્કમ બનો તેવું બની શકે. યુવાનોને આ વર્ષ દરમિયાન નવી નોકરીની ઉજ્જવળ તકો છે. આ બધું છઠા ભાવે રહેલા ગુરુ મહારાજને આભારી છે, મિથુન લગ્નમાં ગુરુ છઠે અને કેન્દ્રથી બહારના સ્થાનોમાં શુભ કહી શકાય. વર્ષ દરમિયાન શનિ મહારાજ સપ્તમ ભાવે રહીને સંબંધોમાં એકબંધન લાવી શકે છે. લગ્ન બાબતે રાહ જોતા જાતકો માટે આ વર્ષ દરમિયાન નિર્ણય લેવામાં મન ડગ્યા કરે તેવું બને. લગ્નજીવન પર વધુ ધ્યાન આપવું જરૂરી રહેશે, જે તમારા કાર્ય અને અંગત જીવન વચ્ચે સંતુલન કરશે.

આશરે એપ્રિલ ૧૯ની શરૂઆત પછી રાહુ પ્રથમ ભાવે એટલે કે મિથુન રાશિમાં પ્રવેશ કરશે,જ્યોતિષની દ્રષ્ટિએ આ ઘટના તમારા આવનાર લગભગ દોઢ વર્ષ માટે મહત્વની બનશે. જો તમે આ દરમિયાન કોઈ બદલાવ અનુભવો છો તો તે લગભગ દોઢેક વર્ષ સુધી તમારા જીવનમાં નિર્ણાયક સાબિત થશે.દેહ ભાવે રાહુ તમને વધુ પડતા આત્મકેન્દ્રી બનાવી શકે છે. અન્ય લોકો સાથે તમારે વધુ મતભેદ ઉભા થઇ શકે.મે ૧૯ અને ઓક્ટોબર ૧૯ મહત્વના આ વર્ષના સફળ મહિના કહી શકાય. મે ૧૯માં પહેલા તકલ્ફી અને પછી આર્થિક લાભ થઇ શકે.

આ વર્ષ દરમિયાન કર્ક રાશિના જાતકો પોતાની સફળતા અને કારકિર્દીને નવી ઉંચાઈએ લઇ જઈ શકશે, આ વર્ષ તેમના જીવનમાં અનેક આર્થિક સિદ્ધિઓ અને આનંદનું વર્ષ બની રહેશે.

શનિ છઠા ભાવે ગુરુ પાંચમા ભાવે અને વળી રાહુ આ રાશિમાંથી વિદાય લેશે, એપ્રિલ ૧૯ની શરૂઆતમાં, આ બધા કારણો આ રાશિને લગભગ સફળતાની નજીક લઇ જાય છે. તમારી આસપાસની બધી ઉર્જા જાણે બદલાઈ રહી છે.તમારી ચિંતાઓ અને હતાશા જલ્દી જ ચાલ્યા જશે તેમ કહી શકાય.

વિદ્યાર્થીઓ અને યુવાનોને આ વર્ષ પ્રગતિ-દાયક કહેવાશે. નોકરીમાં બઢતી અને પ્રગતિ સાથે ફેરબદલની ઉજ્જવળ તકો બનશે. મહિલાઓને વર્ષ દરમિયાન શારીરિક તકલીફ રહી શકે છે, પરંતુ સામે પક્ષે તમે આર્થિક અને સામાજિક બાબતોમાં સતત પ્રગતિ કરશો. વ્યવસાય અને રોજગારની વાત કરીએ તો વર્ષની શરૂઆત મધ્યમ ફળદાયી જણાય પરંતુ ફેબ્રુઆરી અને એપ્રિલ ૧૯માં મંગળનું દસમે અને લાભ ભાવે આવવું, તમને ખુબ ફળદાયી નીવડશે. નવી ચીજોની ખરીદી અને વાહનનો લાભ થઇ શકે.

લગ્ન વિષયક બાબતોમાં તમને આ વર્ષે સફળતા મળી શકે, અંગત જીવનની આ બાબતો આ વર્ષ દરમિયાન વધુ મહત્વની બનશે. કેતુ સપ્તમ ભાવે રહીને તમને આ બાબતો માટે વધુ સજાગ કરશે. શારીરિક બાબતો અને સ્વાસ્થ્ય માટે આ વર્ષ મધ્યમ કહી શકાય.

પાછલા વર્ષોમાં કરેલી મહેનતના જોરે આવર્ષે તમે નવું સર્જન કરી શકશો, તે મકાન કે નવું વાહન પણ હોઈ શકે.

તમારા નાણાં તમે સારી જગ્યાએ રોકાણ પણકરો તેવું બને. સિંહ રાશિના જાતકો માટે વર્ષ દરમિયાન ઘર, વાહન, પરિવાર અને વડીલો મહત્વના બની રહેશે. આ બાબતોમાં વધુ ધ્યાન આપવું પડી શકે. સંતાનો બાબતે વધુ ખર્ચનો અનુભવ થઇ શકે. વિદેશ ગમન અને મોજ શોખ પાછળ ખર્ચ આવી શકે. મહત્વની ના હોય તેવી ચીજો પાછળ મોટો ખર્ચ થાય તેવું બની શકે, માટે આ બાબતે ધ્યાન રાખશો.

ફેબ્રુઆરી અને માર્ચ ૨૦૧૯ તમારી માટે સફળતાનો સંદેશ લઈને આવે તેવું બને. એપ્રિલ ૧૯ પછી આર્થિક બાબતો અને સામાજિક બાબતોમાં તમને સફળતા મળી શકે. જુન ૧૯નો મધ્યભાગ તમને પડકાર જનક લાગી શકે, મંગળ અને રાહુનું મિલન થોડો સમય તકલીફ પણ આર્થિક લાભનું સર્જન પણ કરશે.

પ્રેમ સંબંધોમાં સફળતા માટે હજુ વધુ રાહ જોવી પડી શકે. ડીસેમ્બર ૨૦૧૮ સુધી સપ્તમ ભાવે મંગળ લગ્ન વિષયક બાબતોને તમારા જીવનમાં વધુ મહત્વ આપી દેશે. વર્ષ દરમિયાન લગ્ન વિષયક નિર્ણય માટે તમારે જાતે મક્કમ રહેવું પડે તેવું બને. વિદ્યાર્થી વર્ગને વધુ મહેનત પછી જ સફળતા મળે તેવું બની શકે.

નાની પણ મહત્વની બાબતોનું ધ્યાન રાખનાર અને ઉત્તમ કાર્યકર્તા એવા કન્યા રાશિના જાતકો માટે વર્ષ દરમિયાન નોકરી અને વ્યવસાયમાં થોડી તકલીફ પછી સફળતાના અનુભવો થઇ શકે.
વર્ષ દરમિયાન મુસાફરીના યોગ ઘણા બને છે, કાર્ય બાબતે પ્રગતિ જણાય છે. ઘર અને કુટુંબની બાબતોમાં તમારે વધુ ધ્યાન આપવું પડી શકે, પરંતુ હુન્નર અને વ્યવસાયિક સાહસની બાબતોમાં તમે કુદરતી રીતે જ વધુ પ્રગતિ અનુભવશો. દસમે રાહુ આવતા માર્ચ ૨૦૧૯ પછીનો સમય પ્રગતિદાયક કહી શકાય.

જુન ૧૯ અને સપ્ટેમ્બર ૧૯ મહત્વના મહિના બની રહેશે. મે ૧૯ દરમિયાન નોકરી અને વ્યવસાયમાં એક મહિનો તકલીફનો અનુભવ થઇ શકે. વર્ષની શરૂઆતે લગભગ પહેલા ૩ મહિના છઠે મંગળ વિવાદો અને મતભેદથી બચવા સુચન કરે છે. તમે પ્રેમ સંબંધોમાં જલ્દી પ્રગતિ ઇચ્છતા હોવ તેવું બને, પરંતુ આ બાબતે તમારે યોગ્ય સમયની રાહ જોવી પડી શકે. ડીસેમ્બર ૧૮, જાન્યુઆરી ૧૯માં ચાલતી સંબંધોની વાત એપ્રિલ અને મે ૧૯ના સમય દરમિયાન સફળ થાય તેવું બની શકે. મે અને જુન ૧૯ સ્વાસ્થ્ય બાબતે સજાગ રહેવા યોગ્ય થઇ શકે. ચતુર્થ ભાવે શનિ નવા મકાન અને નવા વાહનની ખરીદીમાં વધુ સતર્ક રહેવા સંકેત કરે છે, જૂની વસ્તુઓ કે મિલકતની ખરીદીને આ લાગુ પડતું નથી.

તુલા રાશિના જાતકોને આ વર્ષ દરમિયાન કાર્ય અને કુટુંબ બંને ક્ષેત્રે પ્રગતિ થશે અને શુભ પ્રસંગો બનશે. નોકરીમાં તમારી બઢતી થઇ શકે.

તમે જ્યાં કાર્ય કરતા હોવ તે ક્ષેત્રમાં બદલાવ આવવાથી તમને લાભ થાય તેવું બની શકે. વર્ષ દરમિયાન આર્થિક બાબતોમાં તમે ખુબ નસીબદાર સાબિત થશો. નજીકના કુટુંબીજનોનો સાથ સહકાર મળશે. ઘરમાં કોઈ મતભેદ હોય તો તે જલ્દી દુર થશે. ત્રીજે શનિ શુભ બનીને તમને ધાર્યા પરિણામ આપશે. વર્ષ એકંદરે શુભ રહેશે અને ગ્રહ જનિત તકલીફો લગભગ નહીવત કહી શકાય, તેનું કારણ શનિ અને ગુરુ બંનેનું અનુકુળ સ્થાનોમાં ભ્રમણ છે.

એપ્રિલ ૧૮ અને જુન ૧૯ તમારી માટે આ વર્ષે ખુબ શુકનિયાળ સાબિત થઇ શકે. તમને આર્થિક લાભ થાય, અથવા મુશ્કેલ કાર્ય સિદ્ધ થઇ શકે. લગ્ન બાબતે રાહ જોઈ રહ્યા હોવ તો ફેબ્રુઆરી અને માર્ચ ૧૯ મહિના તમારી માટે ફળદાયી રહેશે. મકાન અને વાહન બાબતે આ વર્ષે ખર્ચ રહી શકે. માર્ચ ૧૯ સુધી આ બાબતે તમે મોટો ખર્ચ કરો તેવું બની શકે.

વિદ્યાર્થી વર્ગ માટે આ વર્ષ ઓછી મહેનતે વધુ સફળતા મળે તેવું બની શકે, જેની રાહ જોઈ રહ્યા હોવ તે નિશ્ચિત બાબતમાં તમને જલ્દી સફળતા હાથ લાગી શકે. મે ૧૯ દરમિયાન કાર્યસ્થળે થોડો સમય પડકાર જનક રહી શકે. પગના ભાગે પીડા હોય તેમને આ સમય દરમિયાન સંભાળવું પડે. વર્ષ દરમિયાન સ્વાસ્થ્ય બાબતે મધ્યમથી શુભ પરિણામો મળે છે.

વૃશ્ચિક રાશિના જાતકો માટે આ વર્ષ શુભ અને ફળદાયી રહેશે, આ રાશિમાં ગુરુ મહારાજ ઉપસ્થિત છે, માટે આ રાશિ પર અન્ય ગ્રહો દ્વારા દોષમાં ઘટાડો થાય છે.

આત્મવિશ્વાસ અને શ્રદ્ધા જેવા બળો આ રાશિને મળે છે. બીજા ભાવે શનિ આર્થિક બાબતોને સ્થિરતા આપે છે. પરંતુ સાથે સાથે આર્થિક બાબતોમાં જલ્દી મોટી ફેર બદલની પણ સંભાવના ઓછી રહે છે. વર્ષ દરમિયાન રાહુ અષ્ટમ ભાવે આવશે, રાહુ આઠમાં સ્થાનમાં ખોટા ખર્ચ અને સ્વાસ્થ્યની ચિંતા આપી શકે છે.

ફેબ્રુઆરી અને માર્ચ ૧૯ તથા ઓક્ટોબર ૧૯ તમને આર્થિક અને કૌટુંબિક બાબતો માટે શુભ કહી શકાય. જુન ૧૯ દરમિયાન આ રાશિની વધુ ઉમરની વ્યક્તિઓને સ્વાસ્થ્ય બાબતે વધુ ધ્યાન રાખવું પડી શકે. વિદ્યાર્થીઓને વર્ષ દરમિયાન મિશ્ર પરિણામો મળી શકે, વર્ષનો પ્રથમ અડધો ભાગ જ્યાં સુધી રાહુ નવમે છે, ત્યાં સુધી અને પછી રાહુના આઠમે ગયા બાદ માનસિક ઉર્જામાં નાટ્યાત્મક બદલાવનો અનુભવ થઇ શકે. અષ્ટમ ભાવે રાહુ નાહકના ખર્ચ અને ચિંતા આપી શકે, મતભેદને લીધે તકલીફનો અનુભવ આપે.

લગ્ન માટે રાહ જોતા યુવાનો માટે આ વર્ષ શુભ સમાચાર લઈને આવશે. વર્ષની શરૂઆતથી લઈને ફેબ્રુઆરી સુધીનો સમય શુક્રનું ભ્રમણ શુભ છે. આ બાબતે તમને વર્ષની શરૂઆતમાં જ સફળતા મળી શકે.

ધન રાશિના જાતકોએન સમય દરમિયાન અનેક બદલાવ અનુભવવા પડી શકે છે. તમે અત્યારે ઘણા નિશ્ચિત દાયરામાં રહીને કાર્ય કરી રહ્યા હોવ તેવું બની શકે.

મન અને શરીર બંનેને બિલકુલ નવા અભિગમથી આગળ લઇ જવું પડે તેવું બની શકે. સામાજિક અને આર્થિક બાબતોમાં પણ પરિસ્થિતિ તમારી ઈચ્છા મુજબ બદલાય નહિ તેવું બની શકે. આ બધાના મૂળમાં શનિદેવનું આ રાશિમાં ભ્રમણ છે. શનિદેવનું ભ્રમણ નિશ્ચિત રીતે તમારા જીવનને આ વર્ષે બદલશે.

તમારું મન એક નિશ્ચિત અભિગમ અને ધારણાનું ગુલામ બની જાય નહિ તેનું ધ્યાન રાખવું પડશે. વર્ષ દરમિયાન તમારી પાસે અનેક તક આવી શકે, પરંતુ નબળા મન અને ખોટા ડરને લીધે અનેક તકો હાથમાંથી જાય તેવું પણ બને. માર્ચ ૧૯ પહેલા મોટા કાર્ય હાથમાં લઇ શકાય. માર્ચ ૧૯ પહેલા કોઈ બદલાવ કે નોકરીની તકો સર્જાય તો તેના પર સકારાત્મક વિચાર કરવો.

લગ્ન માટે ઉત્સુક જાતકોને માર્ચ ૧૯ પહેલા શુભ પ્રસંગ બાબતે નિર્ણય લઇ લેવો જરૂરી બનશે. અથવા ઓગષ્ટ ૨૦૧૯ પછીનો સમય લગ્ન બાબતે તેમને શુભ ફળ આપી શકે. સ્વાસ્થ્ય બાબતે વર્ષ મધ્યમ ફળદાયી રહેશે. સ્વાસ્થ્ય બાબતે વર્ષ મધ્યમ છે, રોગ જલ્દી જાય નહિ, તેવું બની શકે. અષ્ટમ ભાવે રાહુ પણ સ્વાસ્થ્ય બાબતે સજાગ રહેવા સુચન કરે છે.

મકર રાશિના જાતકો માટે આ વર્ષ તેમના જીવનમાં સકારાત્મક બદલાવ લાવનારું રહેશે. આ રાશિની સાપેક્ષે બીજા મોટા ગ્રહોનું ભ્રમણ સુધારા પર જઈ રહ્યું છે,

જેમ કે રાહુ છઠા ભાવે આવી જશે. જે તેમને કુદરતી રીતે કાર્ય અને નોકરીની બાબતોમાં એક નવી ઉંચાઈ પર લાવીને મૂકી દેશે. આ રાશિને આર્થિક બાબતોમાં ખુબ સાનુકુળ સંજોગો દેખાઈ રહ્યા છે. ટૂંકમાં કહીએ તો ગુરુ લાભ ભાવે ઉત્તમ ફળ આપશે. શનિ બારમાં ભાવે છે, જે જીવનમાં સુખ સુવિધાઓને ખોટા ખર્ચથી અલગ રાખે છે. ભૌતિક ચીજો માટે આ સાનુકુળ નથી પરંતુ આર્થિક વ્યય ચોક્કસ રોકાશે.

મકર રાશિના જાતકોને આ વર્ષે જેઓ લગ્ન બાબતે રાહ જોઈ રહ્યા હોય તેમને શુભ સમાચાર જલ્દી જ મળી શકે. રાહુ સપ્તમ ભાવેથી જતા, એપ્રિલ ૧૯ પછી સાનુકુળ સંજોગો ઉભા થશે. પ્રેમ સંબંધોમાં સફળતા મળી શકે. વિદ્યાર્થીઓને આ વર્ષ દરમિયાન નોંધપાત્ર પ્રગતિ થઇ શકે.

મે-જુન ૧૯ દરમિયાન શારીરિક બાબતે વધુ ધ્યાન આપવું પડી શકે, આ દરમિયાન વિવાદ કે મતભેદના પ્રસંગ બની શકે. પરંતુ આર્થિક રીતે આ યોગ અને સમય લાભદાયી છે.વર્ષ દરમિયાન સ્વાસ્થ્યમાં સામાન્ય ઉતાર ચઢાવનો અનુભવ થઇ શકે.

કુંભ રાશિના જાતકો માટે આ વર્ષ નોકરી અને વ્યવસાય ક્ષેત્રે ખાસ પ્રગતિદાયક રહે તેવી ભરપુર સંભાવનાઓ છે.

વ્યવસાયમાં અનેકવિધ રીતે તમે નવા સાહસ ખેડી શકશો. નવીન ઉર્જા સાથે બિલકુલ નવી પ્રણાલી સાથે કાર્ય કરવાનું બની શકે. લાભ ભાવે શનિની સ્થિતિ ખુબ જ નસીબવંત છે. આર્થિક બાબતોમાં તમે હરણફાળ ભરો તેવું બની શકે.

માર્ચ ૧૯ પછી રાહુ પંચમ ભાવે આવતા સંતાન વિષયક બાબતો તથા નાણાકીય રોકાણ બાબતે તમે વધુ સતર્ક બનશો. યુવાનોને પ્રેમ પ્રસંગમાં અણધાર્યો વળાંક આવી શકે, પ્રેમ પ્રસંગમાં ધીરજ પૂર્વક નિર્ણય લેવો હિતાવહ રહેશે. મે જુન ૧૯ દરમિયાન રાહુ અને મંગળનું પંચમ ભાવે મિલન, આ સમય દરમિયાન સંતાન વિષયક બાબતોમાં ઉતાર ચઢાવ આપી શકે છે. આ રાશિના વિદ્યાર્થીઓને આ સમય દરમિયાન અભ્યાસમાં વધુ ધ્યાન આપવું પડી શકે છે.

એપ્રિલ ૧૯ અને ઓક્ટોબર ૧૯ દરમિયાન મંગળનું ભ્રમણ અનુક્રમે ચતુર્થ અને અષ્ટમ ભાવે થશે, આ દરમિયાન સ્વાસ્થ્ય બાબતે વધુ સજાગ રહેવું પડી શકે. વર્ષ દરમિયાન વાહન અને મકાનવિષયક નિર્ણય લઇ શકાશે.

મીન રાશિના જાતકો માટે આ વર્ષ નોકરી, વ્યવસાય વગેરેમાં પ્રગતિ દાયક રહેશે, તમે ખુબ જ ખંત અને ધીરજથી વ્યવસાયમાં આગળ વધી શકશો.

વ્યવસાયમાં તમને તમારા કાર્યમાંથી વિચલિત કરે તેવા પ્રસંગ જલ્દી જોવા મળશે નહિ. ધાર્મિક આસ્થા વધશે. તમે ઘર અને સામાજિક ક્ષેત્રે નાના મોટા પ્રસંગનું સફળ આયોજન કરી શકશો. ઘરના સભ્યો તમારાથી ખુબ ખુશ રહેશે.

વર્ષ દરમિયાન આર્થિક બાબતો માટે સાનુકુળ સંજોગો રહેશે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. મે જુન ૧૯ની આસપાસ વાહન કે મકાનમાં ખર્ચ આવી શકે. વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસમાં થોડી તકલીફનો અનુભવ થઇ શકે, પડકારભર્યા માહોલમાં તમને નવીન તકો પણ મળી શકે છે. વિદેશ ગમન માટે ઉજ્જ્વલ તકો સર્જાઈ શકશે.

વર્ષ દરમિયાન લગ્ન બાબતે રાહ જોતા યુવાનોને થોડી ઉતાવળ કરવી પડી શકે, મે અને જુન ૧૯માં જયારે રાહુ અને મંગળ ચતુર્થ ભાવે યુતિ કરશે, તે સમયને બાદ કરતા વર્ષ દરમિયાન આ બાબતે નિર્ણય થઇ શકશે. સ્વાસ્થ્ય બાબતે વર્ષ શુભ ફળદાયી રહેશે. ગુરુની દેહભાવે દ્રષ્ટિ મન અને શરીરનું તાલમેલ બનેલું રહેશે તેનો સંકેત આપે છે.