શુકન અને અપશુકન સાથે જોડાયેલી કેટલીક વાયકાઓ

0
3413

શુકન-અપશુકન, લગભગ બધાંને થતાં હોય છે. વિજ્ઞાનના જમાનામાં આજે પણ જયારે આપણે કોઈ મોટો પ્રસંગ કે મહત્વના કાર્ય માટે પ્રસ્થાન કરીએ ત્યારે શુકનનું મહત્વ ખુબ વધી જાય છે. બિલાડી આડી ઉતરે તો સારા કામમાં વિઘ્ન આવશે તેનો એકવાર વિચાર આજે પણ આપણને આવી જ જાય છે. સંસાર માત્ર શુકન અને અપશુકનની વચ્ચે છે, કોઈ ચીજ ક્યાં તો સારી છે અને ક્યાં તો ખરાબ છે, ત્રીજું કાઈ હોઈ શકે નહીં, માટે જ આપણા પૂર્વજોને શુકન-અપશુકન ખ્યાલ આવ્યો હશે, તેવું માની શકાય.

શુકન કે અપશુકન માટે પક્ષીઓ, પ્રાણીઓ, ફળ, ફૂલ અને વિવિધ વસ્તુઓને ધ્યાને લેવાય છે. આમ જોવા જોઈએ તો બધી વસ્તુઓ પોતાની જગ્યાએ હમેશા મોજtદ જ હોય છે, પણ કોઈ કાર્ય કરતી વેળાએ જો અચાનક પક્ષીઓ, પ્રાણીઓ, ફળ, ફૂલ અને ખાસ કોઈ ચીજ, જો તમારી નજરમાં આવે કે રસ્તામાં આવી મળે તો તેના શુકન-અપશુકન લાગતા હોય છે.વાર સંબંધી શુકન જોઈએ તો, સોમવારે શુકન થાય તો નવો પરિચય થાય છે, મંગળવારે શુકન થાય તો આર્થિક લાભ થાય છે. બુધવારે અપશુકન થાય તો શારીરિક વ્યાધિ અને ચિંતા આવે છે. ગુરુવારના શુકન ધંધામાં પ્રગતિ લાવે છે. શુક્રવારે અપશુકન થાય તો ઘરમાં તકલીફ સર્જાય છે. શનિવારે શુકન થાય તો દેવું જલ્દી ભરપાઈ થાય છે. રવિવારે શુકન થાય તો મિત્રથી લાભ અને નવા સંબંધો થાય છે.

ગરુડને ઉડતું જોવું, રાત્રે કરોળિયો ચાલતો જોવો અને ખિસકોલીનું યુગલ રસ્તે જતા જોવા મળે તો શુકન થાય છે. ગરુડના દર્શન ખુબ નસીબવંત ગણાય છે, દુશ્મનોની હાર થાય છે. ખિસકોલી રસ્તામાં ફરતી જોવા મળે, તેનું યુગલ જો રમત કરતું હોય તો જીવનસાથી મળે છે અથવા પ્રેમમાં સફળતા મળે છે. રસ્તે જતા કોઈ કાર્યની શરૂઆત સમયે જો રસ્તામાં કળા કરતો મોર જોવા મળે તો કાર્યમાં બરકત નક્કી થાય છે. ઘરમાં આનંદ વધે છે.

આજ રીતે સવારે જો કરોળિયો રસ્તે ચાલતો જોવા મળે તો તે અપશુકન કહેવાશે. કરોળિયો રસ્તે ચાલતો સવારે જોવા મળે તો તબિયતનો પ્રશ્ન આવે છે. સવારમાં ચામાચિડિયું ઉડતું જોવાય તો ભારે અપશુકન કહેવાય છે. સવારમાં ઘુવડ ડોક ફેરવીને જો તમારી સામે જુએ તો આર્થિક નુકસાનીનો ભય રહે છે.

કેટલાક વિદ્વાનોએ પોતાના અનુભવ અને વાયકાઓને પણ અપશુકન કે શુકનમાં ગણાવી છે, તેમાં પ્રચલિત વાયકાઓ જોઈએ તો, જાળ ગૂંથતો કરોળિયો તમારી વિરુદ્ધ કાવતરું દર્શાવે છે. આ રીતે કરોળિયો જલ્દી જોવા મળતો નથી પણ જો અચાનક આવું દ્રશ્ય જોવા મળે તો તેનું આ ફળ છે તેવું પશ્ચિમના વિદ્વાનો કહે છે. બિલાડી તેના કાન ખોતરે તો જલ્દી વરસાદ આવે છે અને ગધેડો જો રેતમાં આળોટે તો ગમે તેવું તોફાન કે કુદરતી આફત જલ્દી જ ટળી જાય છે. કોઈ મહત્વના કામે જઈએ ત્યારે મંદબુદ્ધિ મનુષ્ય કે નીચો મનુષ્ય જોવો તમને કામમાં સફળતાનો સંકેત કરે છે. ત્રણ માણસોને એકસાથે જતા જોઈએ તો સારા સમાચાર ટૂંકમાં જ મળશે તેવું અનુભવી લોકો કહી ગયા છે.

ઘણીવાર આપણે સાંભળીએ છીએ કે કોઈને કાતર કે ચપ્પુ ભેટમાં ન અપાય. આ પણ એક લાંબા ગાળે ઉભી થયેલી માન્યતા છે. તેમાં આગળ જોઈએ તો ભેટમાં હથિયાર, પ્લેટ, પડદા, બર્નર, સગડી કે કોઈ પણ ધારદાર વસ્તુ આપવી સંબંધોમાં નુકસાની આપે છે. અને શુભ અને શુકન કરનારી ભેટમાં પક્ષીઓ કે કાચબો દર્શાવતી ચીજો, અરીસો, ગુલાબ અને તાંબાના પાત્ર શુકન કરાવે છે. માત્ર એક સાદા શુકનની વાત કરીએ તો કાણાવાળો તાંબાનો સિક્કો પહેલાના સમયમાં શુકનમાં ખુબ પ્રચલિત હતો. આજે તેના સ્થાને કોઈ પણ નાનો સિક્કો શુભ કાર્યમાં મુકવામાં આવે છે, જે શુભ શુકન કરાવે છે.

કોઈ શુભ કાર્ય કે કોઈને નજરના લાગે તેની માટે આપણે ઘણીવાર ‘ટચવુડ’ કહીએ છીએ, લાકડાને અડવું નજરદોષથી બચાવે છે. કોઈવાર અચાનક કાચ તૂટે તો તે પણ શુભ ગણાય છે. યુરોપમાં અજાણતા કાદવમાં પગ પડવો પણ શુભ ગણાય છે. ઘોડાની નાળ મળવી ખુબ જ શુકનવંતી ગણવામાં આવે છે. યુરોપમાં અને વિશ્વમાં બીજી ઘણી જગ્યાએ શરાબને જમીન પર ઢોળવામાં આવે છે, શરાબ જમીન પર ઢોળાય તેને પણ લોકો શુકન માને છે.

શુકન અને અપશુકનના સંસાર વચ્ચે જો સુખી રહેવું હોય તો, જેઓ તમને પ્રેમ કરે છે તેમને બદલામાં ભરપુર પ્રેમ આપો. ઈર્ષ્યા કરીને તમારા વિચારોને ભારે ન બનાવો, ઈર્ષ્યા તમને જ બાળી મુકશે. બાળકો માટે હમેશા પ્રેમ રાખો, તેમને ખુશ કરો, ઈશ્વર પણ રાજી થશે.

અહેવાલ- નીરવ રંજન