ચંદ્ર અને શનિના સંબંધ અને જાતકની અંગત વાતો

ચંદ્ર અને શનિ બંને એકબીજાથી બિલકુલ અલગપ્રકૃતિ ધરાવે છે, સૂર્ય અને શનિ પણ એકબીજાથી બિલકુલ વિરુદ્ધ પ્રકૃતિ ધરાવે છે. સૂર્યએ આત્મા છે, ચંદ્રએ મન છે, મન અને આત્માને મુક્તિ ગમે છે, મનને પણ મુકત થઈને વિહરવું ગમે છે, આત્માને પણ મોક્ષ જોઈએ છે. આ બંને ઉપર શનિનું કર્મબંધન આવે ત્યારે બંને ગ્રહો વ્યથિત બની જાય છે.

ખગોળની દ્રષ્ટિએ જોઈએ તો શનિ છેક છેલ્લે રહેલો ઠંડો અને વાતપ્રકૃતિનો ગ્રહ છે, તે ખૂબ ધીમો છે, જયારે સૂર્ય અને ચંદ્ર બંને દિવસરાત નિરંતર ગતિ કરતાં (જ્યોતિષમાં,પૃથ્વીની સાપેક્ષે)ગ્રહો છે. સમગ્ર સૃષ્ટિમાં બદલાવ લાવનાર અને પૃથ્વી, અગ્નિ, વાયુ અને જળ તત્વોમાં સૌથી વધુ અસર આ ત્રણેય કરી શકે છે.

ચંદ્રની કર્ક રાશિ અને શનિની મકર રાશિ આ બંને રાશિઓ એકબીજાની પ્રતિ છે, સામસામે છે. કર્ક રાશિ ચંદ્ર શાસિત છે, મકર રાશિ શનિની માલિકીની છે, આ બંને રાશિઓ કોઈ પણ કુંડળીમાં જ્યાં પડે છે, ત્યાં એ ભાવને લગતી બાબતોમાં ઉણપ સર્જે છે, જેને આપણે હવે કર્ક-મકર ધરી કહીશું. આ તકલીફ ખાસ કરીને ચંદ્ર અને શનિની મહાદશા અને અંતર દશામાં અનુભવાય છે.

મેષ, તુલા: મેષ અને તુલાલગ્નમાં આ ધરી ૪-૧૦માં ભાવને સાંકળે છે, મેષ કે તુલા લગ્નના જાતકોને મકાન મેળવવામાં અને નોકરીની બાબતોમાં તકલીફ અનુભવાય છે. મેષ કે તુલા ચંદ્ર રાશિ હશે તો પણ આ સત્ય અનુભવાય છે. કોઈ પણ સંજોગ થતા હોય તેમને મકાન ખરીદીને વેચવાના યોગ પણ આવે છે. તુલા લગ્નમાં મકર ચોથે પડે છે, મકાન લેવામાં સંકડાશ કે ધનની સગવડ જલદી થતી નથી.

વૃષભ, વૃશ્ચિક: વૃષભ અને વૃશ્ચિક લગ્નમાં આ ધરી ૩-૯માં ભાવને સાંકળે છે, આ બંને લગ્નમાં આ જાતકોને ભાઈ-બહેન, મુસાફરી, સાહસ, ધર્મ વગેરે બાબતોમાં ખટપટ રહે છે, પોતાના સગાં ભાઈબહેન સાથે તેઓને હમેશાં મતભેદ રહે છે, સંબંધ ખૂબ વધીને ન બોલવા સુધી આવી જાય છે.વૃષભ અને વૃશ્ચિક લગ્ન કે જન્મરાશિના જાતકોએ પોતાના ભાઈબહેન સાથે સંબંધ કોઈ પણ સંજોગોમાં ટકાવી રાખવા જોઈએ.

મિથુન, ધન: મિથુન અને ધન લગ્નમાં આ ધરી, ૨-૮માં ભાવમાં રહે છે, મિથુન અને ધન રાશિના જાતકો માટે ઘર, આવક અને શારીરિક સુખ બાબતે ખૂબ ઉતારચઢાવ આવે છે, ક્યારેક તેઓ પાસે અપાર ધન હોય છે, તો ક્યારેક બધું જ ધન વેડફાઈ જાય તેવા સંજોગ પણ આવી જાય છે. શારીરિક સુખ કે સંબંધોમાં પણ અકાળે તેમને તકલીફ આવી શકે છે.મિથુન અને ધન લગ્નના જાતકો ઘરના સુખ પાછળ ઘણા પૈસા વાપરે છે, તેવું બને જ છે.

કર્ક, મકર: કર્ક અને મકર લગ્નમાં આ ધરી ૧-૭માં ભાવને અસર કરે છે, કર્ક અને મકર લગ્નના જાતકોને લગ્ન અને વ્યવસાયમાં ખૂબ ઉતારચઢાવ આવે છે. કર્ક લગ્નમાં લગ્ન બાબતે તકલીફ થઇ હોય તેવા અનેક ઉદાહરણ લગભગ દરેક જ્યોતિષી ભાઈ જાણતાં હશે જ. લગ્ન સિવાય આ ધરી વ્યવસાયને પણ અસર કરે છે. વ્યવસાય જો સફળ બને તો તેમાં ખુબ સાવચેતી રાખવી પડે છે, થોડું નુકસાન સહન કરીને પણ વ્યવસાયમાં નામ જાળવી રાખવું પડે છે. આ બાબત કર્ક અને મકર જન્મરાશિના જાતકોને પણ લાગુ પડે છે.

સિંહ, કુંભ: સિંહ અને કુંભ લગ્નમાં આ ધરી, ૧૨-૬ ભાવમાં પડે છે, સિંહ અને કુંભ રાશિના જાતકો શત્રુ અને રોગોથી પીડાય છે. આ બંને રાશિના જાતકોને હોસ્પિટલના ખર્ચ અને અનિન્દ્રા તકલીફ આપે છે, અલબત આ બંને તકલીફ મોટી ઉમરે થાય છે.સિંહ અને કુંભ લગ્નમાં રોગ અચાનક આવે છે અને તેનું નિરાકરણ હોતું નથી અથવા નિરાકરણ લાવી શકવામાં મોડું થઇ જાય છે. માટે આ બંને લગ્નમાં રોગોથી સાચવવું જરૂરી બને છે.

કન્યા, મીન: કન્યા અને મીન લગ્નમાં ૫-૧૧માં ભાવમાં આ ધરી હોય છે, આ બંને લગ્નના જાતકોને સંતાન અને આવક બાબતે પ્રશ્ન રહ્યાં કરે છે, જો આવક વધે તો સંતાનના પ્રશ્ન હોય છે, જો સંતાન હોય તો આવકના પ્રશ્ન હોય છે. કન્યા અને મીન લગ્નના જાતકોએ આવક વધે તો બાંધી મૂડી લાખની કરીને પોતાના પૈસા ક્યાંક સ્થિર કરવા સલાહભર્યું રહેશે. લગ્ન થાય ત્યારબાદ સંતાન સુખ બાબતે વધુ ધ્યાન આપવું જરૂરી છે.