કુંભલગ્નમાં જન્મ ભાગ્યશાળી કે કર્મયોગી? ઉદિત લગ્નનો જીવન પર પ્રભાવ

ભારતીયજ્યોતિષઅને તેમાંય પારાશારીના સિદ્ધાંત મુજબ, જન્મલગ્ન એટલે કે જન્મ સમયે ઉદિત રાશિનું મહત્વ અનેકગણું છે. જન્મલગ્નને આધારે જ બીજા ગ્રહો પોતાનો શુભ કે અશુભ પ્રભાવ આપે છે. જન્મલગ્ન જો શુભ ગ્રહની રાશિમાં હશે તો તેનો પ્રભાવ શરીર અને બુદ્ધિ પર ચોક્કસ શુભ અનુભવાય છે. શનિના લગ્નમાં જન્મેલા આજીવન તકલીફો અને ખુબ મહેનત કરીને જીવે છે, તેમના જીવનમાં હમેશા સંકડાશ જોવા મળે છે અને તેમની માટે થોડું બચે છે. વૈભવી પેઢીનો માલિક પણ જો શનિના લગ્નમાં જન્મેલો હશે તો તેને જીવનમાં છૂટે હાથે પૈસા વાપરતો જોવો અશક્ય છે.

શુક્ર અને ગુરુના લગ્નમાં જન્મેલા પાસે બધું (ક્યારેક ભૌતિક અને ક્યારેક માનસિક પણ) હોય છે, તેમના જીવનનો અભિગમ ‘ત્યાગ અને આદર્શો’ તરફ હોય છે, તેઓ કર્મને નહિ પણ આદર્શોને પકડીને ચાલે છે. ત્યાગીને ભોગવે છે. બધા લગ્નોમાં કુંભ લગ્ન એવું છે કે, તેમાં આદ્ય આચાર્યોએ પણ કુંભ લગ્ન પર પોતાનો વિશેષમત દર્શાવ્યો છે. આચાર્યવારાહ મિહિર અને મહર્ષિ સત્યાચાર્યના મતે કુંભ લગ્નમાં જન્મ અનેક તકલીફો આપે છે.આધુનિક જમાનામાં આ બંને વિદ્વાનોના મત પર વિચારવા જેવું બિલકુલ છે.

કુંભ લગ્નમાં શનિ લગ્નેશ છે, તે વ્યય ભાવનો પણ માલિક થાય છે. સૌથી મહત્વના ગ્રહ લગ્નેશને વ્યયેશનો દોષ લાગે છે, માટે શનિ આ કુંડળીમાં કેન્દ્ર કે કોણના સ્થાનોમાં જ શુભ બને છે. ધન અને વૈભવ સમાશુક્રને કેન્દ્રાધિપત્ય દોષ લાગે છે તે કેન્દ્રમાં હોયતો યોગ ભંગ,મંગળ અને સૂર્ય માત્ર કેન્દ્રમાં જ શુભ બને છે, અશુભ સ્થાનોમાં ગયા તો અનેક મુસિબતો. પંચમેશ બુધને અષ્ટમ સ્થાનનું આધિપત્ય હોવાથી, બુધ પણ દુષિત બને છે. આમ કુંભ લગ્નમાં કોઈ ગ્રહ દોષમુક્ત હોવો ભાગ્યે જ જોવા મળે છે.

પણ હવે તો આપણે અતિઆધુનિક જમાનામાં જીવીએ છીએ, આર્થિક અને માનસિક અભિગમ બિલકુલ બદલાઈ ચૂક્યા છે. આધુનિકમત જોઈએ તો કુંભ લગ્ન માત્ર ખરાબ જ છે, તેવું નથી, અમારા મત મુજબ કુંભ લગ્ન તૂટીને નવું સર્જનાર છે. તેમાં પુરુષાર્થ અને ગજબ શક્તિ છે, તે હમેશા અડગ છે અને પોતાની મહેનત પર કાયમ છે. કુંભ લગ્ન એટલે ‘પુરુષાર્થ અને મક્કમતા’.

જીડી બિરલા અને અમિતાભ બચ્ચન

ફિલ્મ જગતના સૂર્ય જેવા અમિતાભ બચ્ચન કુંભ લગ્નમાં જન્મ્યા છે, તેઓ જીવનમાં ખુબ પુરુષાર્થ અને મક્કમતાથી આગળ આવ્યા છે, તેમના જીવનના પડકાર બિલકુલ ઓછા નહોતા. તેઓ આજે પણ સતત પરિશ્રમ કરી રહ્યા છે. જીડી બિરલા જેવા મહેનત સાથે મોટું સર્જન કરનાર ઉદ્યોગપતિ કુંભ લગ્નમાં જન્મ્યા છે. અનેક તકલીફો સાથે જીવન જીવનાર અને છતાં સંશોધન કરી જગતને ચોંકાવનાર મેડમ મેરી ક્યુરી કુંભ લગ્નમાં જન્મ્યા છે. વિખ્યાત અભિનેતા કમલ હસન અને અનીલ કપૂર સતત મહેનત કરીને આગળ આવ્યા છે.

કાર્લમાર્ક્સ અને અબ્રાહમ લિંકન

જગતનો ઈતિહાસ જોઈએ તો આખા જગતને પોતાના આદર્શો વડે પ્રભાવિત કરનાર અબ્રાહમ લિંકન તથા કાર્લમાર્ક્સનું જન્મલગ્ન કુંભ છે. આ બંને નેતાઓના જીવન સંઘર્ષ સર્વવિદિત છે. આધ્યાત્મની વાત લઈએ તો રામકૃષ્ણ પરમહંસ જેવા પ્રાતઃ સ્મરણીય ગુરુદેવ કુંભ લગ્નમાં જન્મેલ છે, તેઓનું જીવન પણ સતત તકલીફોની વચ્ચે આધ્યાત્મનો અલખ જગાવતું રહ્યું. આધુનિક જગતમાં જ્યોતિષને નવી ઉંચાઈએ લઇ જનાર ભારતના જગવિખ્યાત જ્યોતિષી શ્રી બી વી રામન સાહેબ પણ કુંભ લગ્નમાં જન્મ્યા હતા, તેઓએ જીવનભાર સતત પરિશ્રમ કરીને જ્યોતિષને આધુનિક ભારતમાં નવું જીવન આપ્યું છે. આમ ઉપરના બધા ઉદાહરણોમાં તમને ‘પુરુષાર્થ’ અને‘સંઘર્ષ’ જોવા મળશે, આ બધું કુંભ લગ્નનો જ પ્રભાવ હશે? જો હશે તો કુંભ લગ્નએ સર્જક અને કર્મયોગી છે તેમ કહેવું પડશે.

નીરવ રંજન