જન્મકુંડળીમાં માત્ર સ્થાનને આધારે સૂર્યદેવનો વિશિષ્ટ ફળાદેશ

પણે જાણીએ છીએ કે સૂર્ય અને શનિ બંને ‘આકરા’ગ્રહો છે. સૂર્યને ક્રૂર ગ્રહ ગણ્યો છે, તો શનિને સૌથી  વધુ બળવાન પાપગ્રહ ગણ્યો છે. જે કુંડળીમાં શનિ શત્રુ બને, ત્યાં શનિ દ્વારા થનારું અનિષ્ટ ફળ લગભગ ૯૦ ટકા જેવું અનુભવાય છે. શનિના અશુભ બળની માત્ર ૧ ગણીએ તો મંગળ ૩/૪ છે, અને સૂર્ય ૧/૨. સૂર્ય, શનિથી અશુભ બળમાં અર્ધ બળવાન કહી શકાય. એક સૂત્ર યાદ રાખવા જેવું છે કે કોઈ પણ સ્થાનમાં પાપી ગ્રહો ઉચ્ચના સારા નથી. મોટેભાગે આ વાત અનુભવમાં સત્ય ઉતરી છે. પાપી ગ્રહોનું ઉચ્ચ રહેવા કરતા નીચ હોવું શુભ ગણાશે. તમારી કુંડળીમાં સૂર્યના માત્ર સ્થાનને આધારે તમને એક વિશેષ ફળ મળે છે, તે નીચે મુજબ છે:

પ્રથમ ભાવે સૂર્ય, કોઈ પણ જાતકને તેના ‘સ્વ’ને લીધે જીવનમાં તકલીફો આપે છે. પહેલે સૂર્ય હોય તો પોતાના ઈગોને કે ‘સ્વ’ને બહુ મોટો ના બનવા દેશો, આ એક ચાવીરૂપ સલાહ કહી શકાય. આ ‘સ્વ’ની જીદને લીધે તમારે સંબંધો અને લક્ષ્મીની તકલીફો આવી શકે છે.

બીજા ભાવે સૂર્ય, આ સૂર્યને લીધે જાતકનો સ્વભાવ ડામાડોળ થઇ જાય છે, બીજે સૂર્ય જાતકને ખોટા સૌદર્ય અને અંધવિશ્વાસમાં માન્યતા આપે છે. બીજા અર્થમાં આ સૂર્યને લીધે જાતકની તર્ક શક્તિ નબળી પડી જાય છે. જીવન દરમિયાન આવા જાતકો પ્રેમમાં છેતરાય છે. તમારે પૈસાને નહિ પણ ‘મુલ્ય’ને મહત્વ આપવું જોઈએ.

ત્રીજે સૂર્ય, આ ભાવમાં સૂર્ય જાતકમાં ‘નાની નાની’ વાતોમાં વાતનું વતેસર કરવા માટે પ્રેરે છે. આ જાતકો લોકોની વાતોમાં આવી જાય છે. તેઓ નાની વાતોને પોતાના સ્વાભિમાનનો ઈશ્યુ બનાવી દે છે. ત્રીજે સૂર્યવાળા જાતકોને પોતાના કુટુંબમાં વારે ઘડીએ મતભેદ થાય છે. આવા જાતકોએ મોટું મન રાખીને જીવવું સલાહભર્યું રહેશે.

ચોથા ભાવે સૂર્ય, આ સૂર્ય જાતકને જીવન દરમિયાન અનેક પડકારોનો સામનો કરવા માટે શક્તિ આપે છે. આ ચોથો સૂર્ય અનેક તકલીફોની દવા છે. જાતકમાં અનન્ય કુટનીતિ અને સત્તા માટેની‘સમજ’ જોવા મળે છે. આ સૂર્ય થકી જાતક રાજા સમાન વ્યક્તિનો સલાહકાર પણ બની શકે.

પાંચમે સૂર્ય, પાંચમે સૂર્ય પિતા-પુત્ર અને ભાઈ-બહેન વચ્ચે ખટરાગ કરાવનાર છે. પાંચમે સૂર્ય જાતકને જીવન દરમિયાન પોતાની સાથે અન્યાય થયો છે તેની ‘કાયમી’ લાગણી આપે છે. જાતક અવારનવાર વિના કારણે દુઃખી થઇ જાય છે, તેને પોતાના સગા સાથે લેણદેણ ઓછી થાય છે.

છઠે સૂર્ય, આ સૂર્ય વૈદિક જ્યોતિષ પ્રમાણે શુભ કહેવાશે અને અહી સૂર્યની શક્તિ ઓર વધી જાય છે. આ સૂર્ય ગમે તેવી સત્તાને પડકારનાર હોય છે.‘અમે કોઇથી ડરતા નથી’, તેવું વારંવાર કહેનાર જાતકને છઠે સૂર્ય હોઈ શકે. આ સૂર્યનો એક અવગુણ છે કે તે કોઈની સત્તા નીચે નથી રહેતો.

સાતમે સૂર્ય, સૂર્ય અહી લગ્નજીવનના ભાવમાં આવી ગયો છે, એવું કહેવાય છે કે આ સૂર્યને લીધે જાતક પોતાનાથી એક કદમ ઉપરનો જીવનસાથી મળે છે. પોતાની આવડત કરતા વધુ કમાનાર અને વધુ જીદ્દી વ્યક્તિ જોડે લગ્ન થાય છે. જાતકનું પોતાના જીવનસાથીની આગળ ‘વધુ’ ચાલતું નથી.

અષ્ટમ ભાવે સૂર્ય, સૂર્ય અને ચંદ્રને અષ્ટમ દોષ નથી લાગતો, કારણ કે સૂર્યતો પોતે સ્વયં પ્રકાશિત છે. બહુચર્ચિત આ વાક્ય અર્ધ સત્ય છે, સૂર્યને અષ્ટમના ‘સ્વામી’ તરીકે દોષ નથી લાગતો. સૂર્ય પોતે આઠમે જાય તો તેનું કારકત્વતો નબળું પડે જ છે. આઠમે સૂર્ય હોય તો જાતકને હ્રદય અને હાડકાની તકલીફો મળે છે.

નવમ ભાવે સૂર્ય, જાતકને ધર્મ અને ધર્મ ગુરુઓ સાથે ઉઠવા બેસવાના સંબંધો આપે છે. નવમે સૂર્ય હોવાથી જાતકને પોતાના ધર્મ અને માન્યતાઓમાં ખુબ વિશ્વાસ હોય છે. આવા જાતકો જીવન દરમિયાન ધાર્મિક કાર્યો કરી શકે છે, પોતાનાકુળ અને સમાજનું નામ વધારે છે.

દસમે સૂર્ય, દસમે સૂર્ય ઘણો બળવાન છે, પરંતુ લાલા કીતાબ અનુસાર આ સૂર્યનું ફળ વધુ શુભ નથી. દસમે સૂર્ય જાતકને નોકરીમાં કે વ્યવસાયમાં અનેક તકલીફ આપે છે. દસમે સૂર્યને લીધે જાતકને પોતાના પિતા અને ઉપરી સાથે અનેકવાર મોટા મતભેદ પણ થાય છે. દસમે સૂર્ય હોય તો કોઈ પણ ‘મોટા’ કાર્યમાં ઉતાવળથી બચવું, અન્યથા તમારી ખુશીઓ પર બીજાને ખોટું લાગી જશે.લાભ ભાવે સૂર્ય, લાભ ભાવે બધા ગ્રહો શુભ છે? સૂર્ય પાપગ્રહ હોઈ લાભ ભાવે સારો ગણાશે. પરંતુ આ સૂર્યવાળો જાતક પોતાના પિતા માટે ઘણા અર્થોમાં શુભ નથી. જાતકનો સ્વભાવ ઉડાઉ બની જાય છે. જાતક દરેક ચીજને પૈસાને જોરે ખરીદવા પ્રયત્ન કરે છે. પ્રેમ અને વ્યક્તિઓ પણ પૈસાને જોરે લઇ લેવા પ્રયત્નો કરે છે. જો સમજે નહિ તો જીવનમાં દેવાળું પણ થાય છે.

વ્યય ભાવે સૂર્ય એટલે કે સૂર્ય જો બારમાં ભાવે હોય તો જાતકને જીવનના બીજા ભાગમાં આંખોનીકમજોરી આવે છે. સૂર્ય, ચંદ્ર અને શુક્ર; બીજે કે બારમે હોય તો પણ આ પ્રકારે યોગ બને છે. સૂર્ય બારમે હોય તો જાતકે જીવન દરમિયાન પોતાની આંખોની ખુબ વધુ કાળજી લેવી જોઈએ.

નીરવ રંજન