માર્ચની શરૂઆતે 3 ગ્રહોનું રાશિ પરિવર્તનઃ 12 રાશિનું ફળાદેશ જાણો

માર્ચ મહિનાની શરૂઆતમાં ૦૨.૦૩.૨૦૧૮એ શુક્ર મીન રાશિમાં પ્રવેશ કરશે, જે ૨૫.૦૩.૨૦૧૮ સુધી રહેશે. આજ દિવસે અર્થાત ૦૨.૦૩.૨૦૧૮એ શનિ પૂર્વાષાઢા નક્ષત્રમાં પ્રવેશ કરશે. પૂર્વાષાઢા નક્ષત્ર શુક્ર શાસિત નક્ષત્ર હોઈ, શુક્રની રાશિઓ તુલા અને વૃષભ સાથે મીન રાશિ જ્યાં શુક્ર ઉપસ્થિત છે તે રાશિઓ શનિગ્રહના પ્રભાવ હેઠળ આવશે. આ રાશિના જાતકોને પોતાના કાર્યોમાં રુકાવટ છતાં કુદરતી મદદ મળી રહેશે અને કાર્ય સફળ થશે. શનિ આ પછી મૂળ નક્ષત્રમાં ૦૫.૦૬.૨૦૧૮એ વક્રી ગતિએ પ્રવેશ કરશે. મીન રાશિના જાતકો માટે આ મહિનો લાભદાયી તકો અને સામાજિક અને આર્થિક રીતે પરિવર્તનદાયી કહી શકાય. મીન રાશિના જાતકોને આ મહિનો લાભ આપી જશે.૦૩.૦૩.૨૦૧૮એ બુધ પણ મીન રાશિમાં પ્રવેશ કરશે. બુધ ૦૮.૦૫.૨૦૧૮ સુધી મીન રાશિમાં રહેશે. ૦૭.૦૩.૨૦૧૮એ મંગળ ધન રાશિમાં પ્રવેશ કરશે. ધન રાશિમાં શનિ મહારાજ અત્યારે ભ્રમણ કરી રહ્યા છે. નવગ્રહોમાં વધુ ડરામણા અને એકબીજાના શત્રુ ગ્રહો શનિ અને મંગળ ધન રાશિમાં ૩૧.૦૩.૨૦૧૮ યુતિ કરશે. ધન રાશિના જાતકો સાથે દેશમાં ધાર્મિક બાબતો, ઉચ્ચ અભ્યાસના ક્ષેત્રો અને પરિવહનના સાધનો પર શનિ અને મંગળની યુતિની અસરો જોવા મળી શકે. સ્વતંત્ર ભારતની કુંડળીમાં આ યુતિ આઠમા સ્થાને થઇ રહી છે. થોડા સમય માટે દેશના બજારોમાં ‘થોભો અને રાહ જુઓ’નો સમય આવી જાય. અજંપાભરી સ્થિતિ સાથે સરકારને આકરા નિર્ણયો પણ લેવા પડી શકે. કુદરતી તકલીફ અને રોગનો ભય પણ આ સમય દરમિયાન રહે તેની શક્યતાઓ નકારી શકાતી નથી. ૧૪.૦૩.૨૦૧૮એ સૂર્ય મીન રાશિમાં પ્રવેશ કરશે, જે ૧૩.૦૪.૨૦૧૮ સુધી રહેશે. ૩૧.૦૩.૨૦૧૮એ સૂર્ય, મંગળ અને શનિ સાથે  કેન્દ્ર યોગ (Square Aspect) રચે છે. આમ ત્રણ મહત્વના ગ્રહો શનિ, મંગળ અને સૂર્ય ૩૧.૦૩.૨૦૧૮ની આસપાસ નભોમંડળમાં એક યોગ રચે છે. સૂર્યનો મંગળ અને શનિ સાથેનો કેન્દ્ર યોગએ પાશ્ચાત્ય જ્યોતિષના મતે શુભયોગ તો નથી જ. આ સમય સામાન્ય જીવન સાથે દેશ અને દુનિયાના રાજકારણ, સંરક્ષણ અને વ્યાપાર પર મોટી અસર છોડનાર બની શકે તેમ જ્યોતિષના જાણકારો માને છે. વિશ્વના મોટા બજારોમાં વ્યવસાયિક સોદા થોડા સમય માટે દિશાવિહીન બની જાય તેવું બની શકે, બજારોમાં નાણાંપ્રવાહ ધીમો પડી શકે. બારેય રાશિના જાતકો માટે માર્ચ માસને અનુલક્ષીને નીચે મુજબ ફળાદેશ છે:

મેષ: મેષ રાશિના જાતકોને નોકરી કે વ્યવસાયમાં મન સ્થિર રાખી આગળ વધવું. લાંબો પ્રવાસ, ધાર્મિક કાર્ય વગેરેમાં રાહ જોવી પડી શકે. સ્વાસ્થ્ય વિષયક પ્રશ્નો સર્જાઈ શકે. નાણાકીય આયોજન કરવું પડે. હનુમાનજીની ઉપાસના લાભદાયી.

વૃષભ: વૃષભ રાશિના જાતકોને આ માસ દરમ્યાન આવકમાં વધારો થઇ શકે, અણધાર્યો લાભ થતા આનંદ વધે. સામાજિક કાર્ય થઇ શકે. યાત્રા, પ્રવાસ દરમિયાન ચિંતાનો સામનો કરવો પડી શકે. લક્ષ્મીજીની ઉપાસના લાભદાયી રહે.

મિથુન: મિથુન રાશિના જાતકોને વ્યવસાયમાં થોડો સમય ચિંતા અને પરેશાની આવી શકે. તમારે સમજી વિચારીને ધીરજપૂર્વક નાણાકીય નિર્ણય લેવા પડી શકે. લગ્ન કે જીવનસાથી વિષયક બાબતો પર વધુ ધ્યાન આપવું. મિથુન રાશિના જાતકોને વિષ્ણુ સહસ્ત્રનામના પાઠ રાહત બક્ષનાર સાબિત થઇ શકે.

કર્ક: કર્ક રાશિના જાતકોને થોડા સમય માટે શત્રુઓના ઉપદ્રવ અને શારીરિક તકલીફ પરેશાન કરી શકે. લાંબા પ્રવાસ ટાળવા, ધાર્મિક કાર્ય પૂર્ણ કરવા. નોકરીમાં બદલાવ આવી શકે. શક્ય હોય તો કાળા રંગના કપડાનો ઉપયોગ ટાળવો. શિવમહિમ્ન સ્રોત વાંચવો.

સિંહ: સિંહ રાશિના જાતકોને વ્યવસાયમાં ખોટા નિર્ણયથી બચવું, ઉતાવળથી કરેલા નિર્ણય તકલીફમાં મૂકી શકે. સંતાન બાબતે વધુ ધ્યાન આપવું પડી શકે. કાયદાકીય કાર્યોમાં ધીરજ રાખવી. વિદ્યાર્થીઓને અભ્યાસમાં વધુ મહેનત જરૂરી. સૂર્યની ઉપાસના લાભદાયી, આદિત્ય હ્રદયના પાઠ કરવા.

કન્યા: લગ્ન વિષયક બાબતોમાં સફળતા મળી શકે. વ્યવસાયમાં તેજી આવી શકે. ઘર અને વાહન બાબતે શુભ નથી, વાહન કે ઘરમાં આકસ્મિક ખર્ચ આવી શકે. શક્ય હોય તો લાલ રંગનો ઉપયોગ ટાળવો અને લીલા રંગનો ઉપયોગ કરવો. ભગવદ ગીતાનું વાંચન શાંતિ અને સુખ આપે.

તુલા: તુલા રાશિના જાતકોને મધ્યમ શુભ સમય વીતી રહ્યો છે. તમે રાહ જોઈ રહ્યા હોવ તેવા આર્થિક લાભમાં પહેલા રુકાવટ અને પછી સફળતા મળી શકે. ખોટા સાહસથી દૂર રહેવું. ધીરજ રાખતા લાભ થઇ શકે. લક્ષ્મીજીની ઉપાસના લાભદાયી. શ્રીસૂક્તમના પાઠ કરી શકાય.

વૃશ્ચિક: વૃશ્ચિક રાશિના જાતકોને આર્થિક અને કૌટુંબિક બાબતોમાં વધુ ધ્યાન આપવું પડી શકે. સંતાન વિષયક બાબતોમાં ખર્ચ આવી શકે. ઘરના સભ્યો સાથે મનમેળ વધારવો, ખોટી ચિંતાથી બચવું. સુંદરકાંડના પાઠ મંગળવારે કરવાથી શાંતિ અને સુખની પ્રાપ્તિ થઇ શકે.

ધન: શનિ અને મંગળના પ્રભાવ હેઠળ આ રાશિના જાતકોને માનસિક અને શારીરિક સમસ્યાઓમાં વધારો થઇ શકે. મન સ્થિર રાખવું અને ખોટા નિર્ણયથી બચવું. નોકરીમાં બદલાવ આવી શકે. દત્તબાવનીનું નિયમિત ભક્તિભાવપૂર્વક વાંચન કરવું. માનસિક શાંતિ માટે દત્તાત્રેય ભગવાનની ઉપાસના-દર્શન કરવા.

મકર: મકર રાશિના જાતકોને કુટુંબ અને વ્યવસાયમાં અન્ય લોકોનો સહકાર મળવામાં રુકાવટ આવી શકે. અન્ય લોકો પર વધુ પડતી આશા છોડીને તમારે પોતાના કાર્ય પર જાતે જ આગળ વધવું. વ્યાજ કે દલાલીના વ્યવસાયમાં સંબંધ સાચવીને કાર્ય કરવું. ભગવદ ગીતાનો પંદરમો અધ્યાય વાંચવો. શનિવારે તેલનું દાન કરવું.

કુંભ: કુંભ રાશિ પર શનિની દ્રષ્ટિ અને આ રાશિ કેતુ અને સૂર્યની વચ્ચે આવતા, બિનજરૂરી કાર્યોમાં સમયનો વ્યય થાય. કોઈ નક્કર પરિણામ મળે નહિ. મહત્વના કાર્યો રોકાઈ રહે. હકારાત્મક અભિગમ રાખીઓને કાર્ય કરવું. શનિવારે તેલ અને અડદનું દાન કરવું. રામચરિત માનસના પાઠ કરવા.

મીન: મીન રાશિના જાતકોને આ મહિના દરમ્યાન અનેક કાર્ય સિદ્ધ થઇ શકે. તમારે તમારી તબિયત સાચવવાની છે. વ્યવસાય અને નોકરીમાં તમને સફળતા મળશે તેની ભરપુર સંભાવનાઓ છે. આર્થિક લાભ થઇ શકે, મન આનંદિત રહે. ગુરુજનો અને વડીલોનું માર્ગદર્શન કામે લાગે. પીળી ચીજનું દાન અને પ્રસાદ કરવા લાભદાયી.