મેષઃ ઉત્તમ સ્પર્ધક, સ્ફૂર્તિવાન, વર્તમાનને ચાહતી રાશિ

મેષ રાશિનો અક્ષર ‘અ’ સામાન્ય અક્ષર નથી. ‘અ’ અક્ષરે આખી દુનિયા પર તેનું પ્રભુત્વ વારંવાર સાબિત કર્યું છે. અમિતાભ બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન, અટલ બિહારી વાજપેયી, અક્ષય કુમાર, આમીર ખાન, એ આર રહમાન, પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ, અમર્ત્ય સેન વગેરે… બિઝનેસ જગતમાં પણ અંબાણી અને અદાણીના નામની બોલબાલા છે. વિશ્વફલક પર નજર કરીએ તો અબ્રાહમ લિંકન, આલ્બર્ટ આઈંસ્ટાઇન, એલેક્ઝાન્ડર, અકબર અને એડોલ્ફ હિટલરના નામમાં પણ ‘અ’નું વજન છે. તમને ઈતિહાસના પાને પાને ‘અ’ મળશે. આ ‘અ’ મેષ રાશિને ખાસ બનાવે છે. મેષ રાશિની વાત કરીએ તો મેષ રાશિનો માલિક મંગળ છે. મેષ રાશિ ચર અને અગ્નિતત્વની રાશિ છે. આ રાશિના જાતકો ખૂબ ઉત્સાહથી ભરેલા અને કઈંક કરી બતાવવાની તમન્નાવાળા હોય છે. મેષ રાશિનો ઠંડો માણસ તમને ભાગ્યે જ જોવા મળશે.મેષ રાશિના જાતકો સ્વતંત્ર મિજાજના અને અંત સુધી લડત આપનાર હોય છે. તેઓ જલદી આવેશમાં આવી જાય અને ઉતાવળમાં ઘણીવાર ભૂલ પણ કરી બેસે છે. કાળચક્રમાં પણ આ રાશિને ‘મસ્તિષ્ક’નો ભાગ જ મળ્યો છે, અર્થાત મસ્તક અને મગજ થકી થનારી ચીજોમાં આ રાશિનું પ્રભુત્વ છે. જન્મકુંડળીમાં આ રાશિ જો દૂષિત હોય તો મસ્તિષ્ક અને મગજમાં તકલીફ થાય છે.

મેષ રાશિના જાતકોને આર્થિક બાબતોમાં સુખ લગભગ ૨૫માં વર્ષની આસપાસ નક્કી થઇ જતું હોય છે. આર્થિક બાબતોમાં જો મેષ રાશિનો જાતક પુરુષ હોય તો સ્ત્રી વર્ગથી અને સ્ત્રી હોય તો પુરુષ થકી તેને અણધાર્યો લાભ થાય છે, તેવું અમે જોયું છે. મેષ રાશિના જાતકોને વ્યવસાયમાં આવક સ્થિર રીતે મળે છે, તેઓને લગભગ લાંબા સમયની મહેનત પછી વ્યવસાયમાં આર્થિક સફળતા મળે છે. તેઓની માટે ૩૬મું વર્ષ વ્યવસાયમાં ધરમૂળથી બદલાવ લાવનારું હોય છે. અનુભવે અમે નોંધ્યું છે કે, મેષ રાશિના જાતકોને જલદી સારા અને કદરદાન કહી શકાય તેવા મિત્રો મળતાં નથી. તેમને મોટેભાગે વ્યથિત અને દુઃખી મિત્રોનો સંગ વધુ થાય છે. તેઓને તેમના મિત્રને મદદરૂપ થવું પડે છે અને ખરા સમયે આવા મિત્રો તેમનાથી મોં ફેરવી લેવું તેવું પણ બને છે. મેષ રાશિમાં રહેલું અગ્નિતત્વ તેમનામાં સ્પર્ધા અને સાહસનો ગુણ મુકે છે, તેઓ સમાજમાં રહીને સામાજિક બદલાવ લાવે છે તે પણ સત્ય છે. તેઓ એકવાર નક્કી કરે પછી પોતાના લક્ષ્યની પાછળ પડી જાય છે અને લક્ષ્ય સિવાયની બીજી બાબતોમાં માથું મારતા નથી.

મેષ રાશિના જાતકોને લાગણીનો દરિયો એવું ઘર અને મા મળે છે. તેમને પોતાની માતા પ્રત્યે બધાને હોય તેના કરતાં કઈંક વધુ લાગણી હોય છે. તેઓ પોતાની માતા માટે પ્રેમ અને સમર્પણ દર્શાવવામાં કોઈ પણ બાંધછોડ કરતા નથી. તેઓ જ્યાં મોટા થયાં હોય તે રહેઠાણ અને લોકોની વચ્ચે તેમની એક અલગ ઓળખાણ હોય છે, તેઓ પોતાના વતન અને નાનપણની જગ્યાઓને ક્યારેય ભૂલતાં નથી, વર્ષમાં એકાદવાર ગમે તેટલી દૂરથી પણ તેઓ ત્યાં મુલાકાત લે છે. ભાઈબહેનો સાથે આ રાશિને ઝાઝો મેળાપ નથી, માપસરનો સંબંધ ખરો. તેનું કારણ મેષ રાશિનો આખાબોલો સ્વભાવ છે. આ રાશિના જાતકોને અન્યાય સામે લડવામાં બિલકુલ ડર નથી લાગતો, તેઓ નાની વાતમાં પણ મક્કમ રહે છે માટે તેમના ભાઈબહેન સાથે અકારણ સંબંધોમાં ઉતારચઢાવ આવ્યાં કરે છે. સંતાન બાબતે જોઈએ તો મેષ રાશિના જાતકોને ઉત્તમ અને યશસ્વી સંતાનની પ્રાપ્તિ થાય તેની સંભાવનાઓ ખૂબ વધુ છે. તેમના સંતાન ખૂબ સફળ અને માતાપિતાની જેમ જ સ્વતંત્ર અને મહેનતુ હોય છે. મેષ રાશિના જાતકોને સંતાન પ્રાપ્તિ જલદી થાય છે.

મેષ રાશિના જાતકોને નોકરી અને લગ્ન એકસાથે અથવા નજીકના સમયમાં થાય તેવું બની શકે. મેષ રાશિના જાતકોને જાયા ભાવનો સ્વામી શુક્ર થાય છે, શુક્ર અને મંગળ બંને વિજાતીય ગ્રહો વચ્ચે સુંદર આકર્ષણ છે. મેષ રાશિના જાતકોને સુંદર અને ઉત્તમ વ્યક્તિત્વવાળું પાત્ર મળી શકે. તેમને ઉચ્ચ અભ્યાસુ અને સુખી ઘરનું પાત્ર મળે તેની સંભાવનાઓ પણ ખૂબ વધુ છે. લગ્ન બાબતે તેમને વધુ રાહ નથી જોવી પડતી, તેઓને લગ્ન બાબતે નિર્ણય લગભગ ૨૫માં વર્ષની આસપાસ થઇ જાય છે. લગ્ન બાબતે મિથુન, કન્યા અને ધન રાશિની જેમ તેઓને દ્વિધા હોતી નથી. મેષ રાશિના જાતકોને બુધ રોગેશ બને છે, રોગ સ્થાનનો સ્વામી બુધ થકી થતા રોગમાં વાકશક્તિ દુર્બળ થવી, ઉચ્ચારણ બરાબરના થવું, મગજ અને ચેતાતંત્રને લગતા રોગ, વાયુના દર્દ અને યાદશક્તિ ગુમાવી જવી વગેરેનો નિર્દેશ કરે છે. મંગળ અને બુધ એક રાશિમાં પડ્યાં હોય તો તેમને ચામડીના રોગના દર્દી બનવું પડે છે.

મેષ રાશિના જાતકો ખંતીલા અને ઉત્સાહી હોઈ તેઓ કોઈ પણ કાર્યને ખૂબ સારી રીતે કરી શકે છે. તેઓ નીતિનિયમોનું કડક પાલન કરવા અને કરાવવામાં માને છે. તેમને કાયદા અને નિયમો સાથે જીવવું ગમે છે. તેઓ ક્યારેય જાણી-જોઇને ખોટું કરતા નથી, તેઓ સ્પષ્ટ અને સીધી લીટીમાં કાર્ય કરે છે. મેષ રાશિના જાતકો કારકિર્દીને ખૂબ ગંભીરતાથી લે છે, તેઓ રમતગમત, લશ્કર અને પોલીસખાતામાં સફળ થાય તેની સંભાવનાઓ વધુ છે. તેઓ પાયલટ, યાંત્રિક બાબતોના નિષ્ણાત અને તબીબી શાસ્ત્રમાં મુખ્યત્વે વાઢકાપમાં તેઓ સફળ થઇ શકે. સૂર્ય અને મંગળ બંને આ રાશિના જાતકોને કારકિર્દીમાં ભરપુર ઊર્જા પૂરી પાડે છે. અગાઉ જણાવ્યું તેમ ૩૬મું વર્ષ તેમની માટે નિર્ણાયક હોય છે.મેષ રાશિના જાતકોને મંગળ, સૂર્ય અને ગુરુ ઉત્તમ ફળદાતા ગ્રહો છે. આદિત્ય હ્રદયમ અને દત્ત બાવની તેમની માટે વિઘ્ન હરનાર સાબિત થાય છે. મન વ્યથિત રહેતું હોય કે માનસિક ચિંતાઓના દોરમાં ભગવાન દત્તાત્રેયની ઉપાસના, મેષ રાશિના જાતકો માટે આશીર્વાદ રૂપ છે. ગુરુનું રત્ન અને સૂર્યનું રત્ન તેમને ફળદાયી છે. બુધ અને શનિ તેમની માટે મધ્યમ ફળદાયી ગ્રહો છે, બને ત્યાં સુધી બુધવાર અને બુધ ગ્રહથી બચવું. મેષ રાશિના જાતકોને જીવન દરમિયાન તેમના ગુરુ મળે ત્યારથી તેમના જીવનમાં મોટું પરિવર્તન આવે છે, આ રાશિના જાતકોએ અનિવાર્યપણે જીવન દરમિયાન પોતાના ગુરુને શોધવા જોઈએ અને તેની કૃપા પ્રાપ્ત કરવી જોઈએ, જે ચોક્કસ તેમનું નસીબ જગાડનાર સાબિત થશે.

  • મેષ રાશિના જાતકોને મેષ, સિંહ અને ધન રાશિના જાતકો સાથે ઉત્તમ મનમેળ રહે છે.
  • મિથુન, તુલા અને કુંભ રાશિના જાતકો સાથે તેમના સંબંધ તેમને ફાયદાકારક હોય છે.
  • વૃષભ, કર્ક અને મકર રાશિના જાતકો સાથે તેઓના સંબંધ પ્રમાણસર અને ઉતારચઢાવવાળા હોય છે.
  • કન્યા, વૃશ્ચિક અને મીન રાશિના જાતકો સાથે તેઓને જલદી બનતું નથી, પરંતુ આ રાશિઓ સાથે તેઓ જરૂરથી કઈ નવું શીખી શકે તેની પણ ભરપુર સંભાવનાઓ રહેલી છે.