જ્યોતિષશાસ્ત્ર રોગો વિષે શું કહે છે? શું સ્વાસ્થ્ય પણ જન્મકુંડળીમાં લખાયેલું હોય છે?

નુષ્ય એ સમય સાથે સુખસુવિધા વધાર્યા છે, વધુ સુખાકારીને કારણે જીવનશૈલી આરામપ્રિય બની જેના પરિણામ સ્વરૂપ રોગ પણ વધતા ચાલ્યાં છે. મનુષ્ય આર્થિક અને સામાજિક રીતે સદ્ધર હોય પરંતુ એક હઠીલો રોગ તેના ખરા દુશ્મનની જેમ તેના જીવનને અસ્તવ્યસ્ત કરી નાખે છે. જ્યોતિષ શાસ્ત્ર દ્વારા મનુષ્યના જીવન દરમિયાન ઉદભવતા રોગ અને મનુષ્યના આયુષ્ય પર અભ્યાસ થઇ શકે છે. ગ્રીક ફીઝિશિયન હિપોક્રેટ્સ તબીબી વિજ્ઞાન અને જ્યોતિષનો સાથે ઉપયોગ કરતા હતા, એક મત મુજબ તેઓ જ્યોતિષના અભ્યાસ વગર થતી મનુષ્યની ચિકિત્સાને અધૂરી માનતા હતાં.

જ્યોતિષ દ્વારા રોગોના અભ્યાસની પૂર્વભૂમિકા

જ્યોતિષશાસ્ત્રમાં રોગ અને શત્રુનું સ્થાન એક જ છે- છઠ્ઠું. રોગ પણ દુશ્મનથી કમ નથી હોતો. ભારતીય જ્યોતિષશાસ્ત્ર મુજબ છઠ્ઠો ભાવ અને તેના સ્વામીગ્રહ જાતકના જીવનમાં થતાં રોગ પર પ્રકાશ પાડે છે. બીજા અર્થમાં આ સ્થાન જો પાપગ્રહોથી ગ્રસિત હોય તો આ ગ્રહોની દશા-અંતરદશામાં જાતકને બીમારીમાંથી પસાર થવું પડે છે.

જન્મકુંડળીનો પ્રથમ ભાવ જાતકના દેહ અને આયુષ્ય સાથે સીધો સંકળાયેલ છે, પ્રથમ ભાવ જો અશુભ બન્યો હોય, લગ્નેશ અશુભ ગ્રહો સાથે બેસી નિર્બળ બન્યો હોય તો જાતકની તબિયત અવારનવાર નબળી બનતી હોય છે. દેહસુખ અલ્પ હોય છે, શરીરનું પોષણ અને બાંધો પણ નબળાં હોય છે. પ્રથમ ભાવ, અષ્ટમ ભાવ અને છઠો ભાવ સાથે અશુભ બન્યા હોય તો જાતકના આયુષ્ય પર પ્રશ્નાર્થ લાગી જાય છે.

અષ્ટમ ભાવ આયુષ્યનો નિર્દેશ કરે છે, અષ્ટમ ભાવનો સ્વામી જાતકના આયુષ્યનું માપ અને મૃત્યુનું કારણ દર્શાવે છે. વાચકોને જાણવું રસપ્રદ થઇ જશે કે, છઠા ભાવના સ્વામી સાથે અષ્ટમભાવનો સ્વામી ગ્રહ અશુભ બન્યો હોય કે નિર્બળ હોય તો તેવા સંજોગોમાં રોગ જ મૃત્યુનું કારણ બને છે.

બાધક ગ્રહો અને મારક ગ્રહો

ચર લગ્નમાં અગિયારમો ભાવ બાધક, સ્થિર લગ્નમાં નવમો ભાવ બાધક અને દ્વિસ્વભાવ લગ્નમાં સપ્તમ ભાવ બાધક બને છે. બાધક સ્થાનમાં રહેલ રાશિના સ્વામીગ્રહને બાધકેશ કહે છે.

દ્વિતીય અને સપ્તમ ભાવના સ્વામીઓ મારક ગ્રહો છે. મારક અને બાધક ગ્રહોમાં જે વધુ નિર્બળ અને દૂષિત હોય તે ગ્રહ મૃત્યુના કારણનો નિર્દેશ કરે છે. બાધક અને મારક ગ્રહોની છઠ્ઠે કે આઠમે ઉપસ્થિતિ જીવનમાં રોગ દ્વારા મૃત્યુતુલ્ય કષ્ટ આપી શકે છે.

છઠા ભાવનો સ્વામી, અષ્ટમ ભાવનો સ્વામી, મારકેશ અને બાધાકેશ ગ્રહોમાંથી જે નિર્બળ હોય અને છઠા સ્થાન સાથે સંબંધ કરતા હોય તે ગ્રહો જાતકને રોગથી કષ્ટનો નિર્દેશ કરે છે. અગાઉ જણાવ્યું તેમ જો લગ્નેશ પણ નિર્બળ હોય તો રોગ દ્વારા મૃત્યુ થવાની સંભાવના વધી જાય છે. નબળો લગ્નેશ જાતકના નબળા શરીર બંધારણનો નિર્દેશ કરે છે.

રોગનું સ્થાન

જન્મકુંડળી જોતાં સમયે જો કોઈ એક સ્થાનને ઉપર જણાવેલ રોગ અને મૃત્યુ નિર્દેશક ગ્રહો વધુ દૂષિત કરતા હોય તો તે રાશિ અને ભાવ નિર્દેશક અંગમાં ગ્રહની પ્રકૃતિ પ્રમાણેનો રોગ થઇ શકે. રાશિ દૂષિત હોતાં રોગ શરીરમાં ઊંડે હોઈ શકે, જયારે સ્થાન દૂષિત હોતાં સ્થાન નિર્દેશિત અંગના બહારના ભાગમાં બાહ્યસપાટી પર રોગના ચિહ્નો જોવા મળી શકે.

આયુર્વેદ મુજબ વાત, પિત્ત અને કફનું સંતુલન બગડે તો તે રોગ સ્વરૂપે શરીરમાં અનુભવાય છે. વાત, પિત્ત અને કફ પ્રકૃતિને જ્યોતિષના તજજ્ઞોએ નીચે મુજબ ગ્રહનું આધિપત્ય આપ્યું છે.

કફ પ્રકૃતિ: શુક્ર, ગુરુ, ચંદ્ર

પિત્ત પ્રકૃતિ: મંગળ, કેતુ, સૂર્ય

વાત પ્રકૃતિ: બુધ, શનિ અને રાહુ

ઉપર જણાવેલ એકસમાન પ્રકૃતિ ધરાવતા ગ્રહો જો એક જ સ્થાનમાં હોય અથવા એકબીજા સાથે સંબંધ કરતા હોય તો તે ગ્રહો નિર્દેશિત પ્રકૃતિમાં વધારો થાય છે. જેમ કે, મંગળની કેતુ કે સૂર્ય સાથે યુતિ રચવાથી પિત્ત પ્રકૃતિનો નિર્દેશ થાય છે, જો આ ગ્રહો દૂષિત કે અશુભ થયાં હોય, છઠા સ્થાન સાથે સંબંધિત હોય તો પિત્તદોષને લીધે રોગ થઇ શકે.

ગ્રહો અને રાશિઓ શરીરમાં કયા સ્થાનમાં કયો રોગ સૂચિત કરે છે તે વિગતે આવતા અંકે જોઈશું.